અકસ્માત સર્જી લક્ઝરી બસનો ચાલક વાહન સાથે ફરાર; એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
હિંમતનગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોતીપુરા ઓવરબ્રિજ પર સોમવારે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.
મળતી વિગતો અનુસાર, રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના પાલ ગામના રહેવાસી નારાયણલાલ વાલાજી મનાત અને નટવર થાવરાભાઈ મનાત બાઇક નંબર (RJ-12-SX-1265) પર સવાર થઈને રાજસ્થાનથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. સોમવાર, ૨ નવેમ્બરની વહેલી સવારે તેઓ જ્યારે હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઇકને અડફેટે લીધું હતું.
આ અકસ્માતમાં બાઇક પર સવાર નટવર મનાત અને તેમના કાકા નારાયણલાલ મનાત રોડ પર પટાકાયા હતા. જેમાં નારાયણલાલ મનાતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ અકાળે મોત નીપજ્યું હતું.
ચાલક બસ લઈને ફરાર, પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માત સર્જાયા બાદ ખાનગી લક્ઝરી બસનો ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ઈજાગ્રસ્ત નટવર મનાતે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર લક્ઝરી બસના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ઓવરબ્રિજ અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે ફરાર લક્ઝરી બસ અને ચાલકની શોધખોળ હાથ ધરી છે.







