સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડવાસા ગામના પેટ્રોલ પંપ નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર એક મોટર સાયકલ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતે એક મોટા નશીલા પદાર્થોના કારોબારનો ખુલાસો કર્યો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડાતાં, તેના સામાનમાંથી રૂ. ૧,૪૬,૪૦૦ ની કિંમતનો ૨ કિલો ૯૨૮ ગ્રામ માદક પદાર્થ (ગાંજો) મળી આવતાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એન.સી. ગોહિલ તથા તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન બાતમી મળી હતી કે વડવાસા પેટ્રોલ પંપ નજીક નેશનલ હાઇવે ૪૮ પર મોટર સાયકલ નંબર GJ-38-AC-5892 નો ચાલક અકસ્માત થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને તેના સામાન સાથે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
સામાન તપાસતા પ્લાસ્ટિક બેગમાંથી નશીલો પદાર્થ મળી આવ્યો
પોલીસ ટીમે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં પહોંચી આરોપીના કાળા કલરની પ્લાસ્ટિકની થેલી અને મરૂન કલરની કોલેજ બેગની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેમાંથી ૨ કિલો ૯૨૮ ગ્રામ માદક પદાર્થ ગાંજો (કિંમત રૂ. ૧,૪૬,૪૦૦/-) મળી આવ્યો હતો.
નશીલા પદાર્થ સાથે પકડાયેલ બાઇક ચાલક અમદાવાદના સરસપુર વિસ્તારનો રહેવાસી અક્ષયકુમાર પી. ગોહેલ (રહે. ૪૫, અશોકવાડી, સહજાનંદ ફ્લેટ સામે, સરસપુર, અમદાવાદ) હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
-
માદક પદાર્થ ગાંજો: ૨ કિલો ૯૨૮ ગ્રામ (કિંમત રૂ. ૧,૪૬,૪૦૦/-)રોકડ રકમ: રૂ. ૪૦૦/- અન્ય સામાન: ડ્રાઇવિંગ લાઇસન્સ, આર.સી. બુક, વિઝિટીંગ કાર્ડ, ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા, પર્સ, કોલેજ બેગ અને પ્લાસ્ટિક થેલીઓ.
-
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ધી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (NDPS એક્ટ) ની કલમ-૮(સી) અને ૨૦(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયા, પીએસઆઈ એન.સી. ગોહિલ, એ.હે.કો. ભરતકુમાર નારણભાઇ, એ.હે.કો. અમૃતભાઇ ભગાભાઇ, આ.પો.કો. સરદારસિંહ દિપસિંહ, આ.પો.કો. સંદિપકુમાર ઇશ્વરભાઇ તથા અ.પો.કો. પંકજસિંહ રણજીતસિહ.







